હુમલો કરનારે પાનપાર્લર પર આવીને વેપારીની પૂછપરછ કરી
નિકોલમાં રહેતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વેપારીની પાસે એક વ્યક્તિએ પૈસાની માંગણી કરી હતી. જેથી તેને ઈન્કાર કરતા વેપારી પર છરીથી હુમલો કરવામાં આવતા તેમને ઈજા થઈ હતી. આ અંગે નિકોલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. નિકોલમાં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવ્સાય કરતા જયભાઈ અરવિંદભાઈ ભુત(ઉ.24)એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગુરુવારે સાંજના સાડા ચાર વાગે તેઓ પોતાના મિત્ર આર્યનને લેવા માટે ઉમા સ્કુલ પાસે ગયા હતા. ત્યારે તેમના પર જીજે 5 પાનપાર્લરના માલિકનો ફોન આવ્યો હતો કે એક ભાઈ પાર્લરમાં આવી તારા વિશે પુછપરછ કરે છે અને આજુબાજુમાં ઉભેલા માણસોના ખિસ્સા ચેક કરીને તારી ગાડીની ચાવી શોધી રહ્યો છે.
આથી તુ આવીને જોઈ લે તેને શું કામ છે. આથી જયભાઈ તુરંત મિત્રને લઈને તેમનાઘરની સામે આવેલા પાનપાર્લર પર પહોચ્યા હતા. જયાં તેઓ કારમાં બેઠા હતા ત્યારે અભિષેક ઉર્ફે શુટર તોમરએ પાર્લરમાંથી બહાર આવીને જયભાઈ પાસે પૈસાની માંગણી કરી હતી. જેથી તેમણે હું શેના પૈસા આપુ તેમ કહેતા અભિષેક ઉશ્કેરાયો. હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો ત્યારબાદ ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. દરમિયાન અભિષેકે પોતાની પેન્ટમાંથી ચપ્પુ કાઢીને જયભાઈને ડાબા થાપાના ભાગે ચપ્પુનો એક ઘા મારી દીધો હતો. દરમિયાન તેમને એમ્બ્યુલન્સ બોલાવીને સિંગરવા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.આ મામલે અભિષેક ૧ અભિષેક ઉર્ફે શુટર તોમર સામે ફરિયાદ નોધાવાય છે.