યુવક મિત્રને મળવા ગયો ત્યાં ઝઘડો થયો હતો
સરદારનગરમાં રૂપિયાની લેતીદેતી મામલે થયેલી બોલાચાલી બાદ એક યુવકને બે વ્યકિતઓએ ગડદાપાટુનો માર માર્યો હતો અને છરીથી હુમલો કરીને ઈજા પહોચાડી હતી. આ મામલે સરદારનગર પોલીસે બે વ્યકિત સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
કૃષ્ણનગરમાં વિજયપાર્ક સોસાયટીમાં રહેતો સાગર જયંતિભાઈ ઠાકોર(ઉ.26) ખાનગી ઓટો કંપનીમાં નોકરી કરીને પરિવારને મદદરૂપ થાય છે. ગત મંગળવારે રાતના સાડા આઠ વાગ્યાના સુમારે તેના મિત્ર ને મળવા માટે સાગર કુબેરનગર જી વોર્ડ ઠાકોરવાસમાં ગયો હતો. જયાં તેના ઓળખીતા અનિલ રતિલાલ મરાઠી સાથે પૈસાની લેવડદેવડ મામલે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો.
ત્યારબાદસાગર ત્યાંથી નીકળી ગયો હતો અને કુબેરનગર આઈટીઆઈ પાસે ચા પીવા માટે ગયો હતો. આ સમયે અનિલ મરાઠી તેમજ તેની સાથે એક અજાણ્યા વ્યકિતએ આવીને ઠાકોરવાસમાં ઝઘડો કેમ કર્યો કહીને ગાળો બોલીને ગડદાપાટુનો માર મારવાનુ ચાલુ કર્યુ હતુ. આ દરમિયાન અનિલ મરાઠીએ પોતાની પાસેનુ ચપ્પુ કાઢીને સાગરને ડાબા પગના ઢીંચણના ભાગે એક ઘા ઝીંકી દીધો હતો અને બીજા ઘા જમણા પગે માથામાં તેમજ સાથળના ભાગે માર્યા હતા. આ સમયે બૂમાબૂમ કરતા તેના અન્ય મિત્રો આવી જતા સાગરને વધુ માર મારવાથી બચાવ્યો હતો.આ સમયે બંને આરોપી નાસી છુટયા હતા ત્યારબાદ સાગરને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. આ અંગે સાગરે સરદારનગર પોલીસ સ્ટેશનમાં અનિલ મરાઠી સહિત બે સામે ફરિયાદ નોંધાવી છે.