સૂતરના કારખાના પાસે ટ્રોલી અંગે નાગરિકે પોલીસને જાણ કરી
નરોડામાં સુતરના કારખાના પાસે એક બિનવારસી ટ્રોલી બેગ જોતા જાગૃત નાગરીકે પોલીસને જાણ કરી હતી. પોલીસે ટ્રોલી ચેક કરતા અંદરની વિદેશી દારૂની 103 બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
નરોડા પીઆઈ અને સ્ટાફની ટીમ બુધવારની રાતે પેટ્રોલીંગમાં હતી આ દરમિયાન ફરતા ફરતા સુતરના કારખાના પાસે આવતા એક નાગરીકે પોલીસની પાસે આવીને કહ્યુ હતુ કે, મનુબેનની ચાલી આગળ એક ટ્રોલીબેગ બિનવારસી પડી છે. પોલીસે આ વાત સાંભળી ટ્રોલી બેગમાં કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ પડી હોવાની આશંકા સાથે સ્થળ પર જઈને ટ્રોલી બેગ ખોલતા તેમાંથી ભારતીય બનાવટની કાચની અને પ્લાસ્ટીકની સીલબંધ 103 બોટલો મળી આવી હતી.
આ અંગે પોલીસે પંચનામુ કરીને દારૂની બોટલ કબજે કરીને અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફુટેજ ચેક કરીને ટ્રોલી બેગ મુકીને નાસી છુટેલા વ્યક્તિની શોધખોળ આદરી છે. પોલીસને જોઈને બુટલેગર ટ્રોલી બેગ મુકીને નાસી છુટયાની આશંકા સેવાઈ રહી છે.