બે અજાણ્યા ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ
બાપુનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ કોલોનીમાં એક જ રાતમાં તસ્કરોએ બે મકાનને નિશાન બનાવીને રોકડા રૂપિયા 78 હજાર અને સોનાના દાગીના, 25 ઘડીયાળ વગેરે મળીને કુલ રૂ પોણા ત્રણ લાખ જેટલી મત્તાની ચોરી કરી હતી. બાઈક પર આવેલા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ અંગે બાપુનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
બાપુનગરમાં હાઉસીંગ બોર્ડ કોલોનીમાં રહેતા અને કરિયાણની દુકાન ધરાવતા તરૂણભાઈ ગાદોયા તેમની પત્ની અને પુત્ર ગત તા 19 મીએ જુનાગઢ તેમની કુળદેવીના દર્શન કરવા માટે રાતના નીકળ્યા હતા.
બીજા દિવસે તેમના પર પાડોશીનો ફોન આવ્યો હતો કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે અને તાળુ તુટેલુ છે. તરૂણભાઈ અને પરિવારે આવીને તપાસ કરતા તેમના ઘરનો સામાન વેરવિખેર હતો. ઘરના કબાટમાંથી રોકડા રૂ. 78 હજાર, સોનાના દાગીના 25 કાંડા ઘડીયાળ વગેરે મળી કુલ રૂ. 2.48,500 ની મત્તાની ચોરી થઈ હતી. બીજીબાજુ તરુણભાઈના પાડોશી મીનાબેન ભાટીયાના ઘરમાં પણ ચોરી થઈ હતી જેમાં રાખડીના ગોલ્ડન છેડીયા કિંમત રૂ. 25 હજારની ચોરી થઈ હતી. આમ બંને બનાવોમાં કુલ રૂ. 2.78 લાખની મત્તાની ચોરી થયા અંગે તરુણભાઈએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.