ઈસનપુરના એક ગૃહિણીએ ખરીદેલુ મિક્ષર મશીન ખરાબ થઈ જતા તેમણે રીપેરીંગ માટે ઓનલાઈન કસ્ટમરકેરનો નંબર સર્ચ કર્યો હતો. જેમાં ગઠીયાએ તેમને કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનુ કહીને સ્ક્રીન શેરીંગ કરાવીને તેમના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ.61 હજારની વધુની રકમ ઉપાડીને છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે મહિલાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઈસનપુરમાં રહેતા દિપ્તીબેન જાની થોડા સમય પહેલા લીધેલું ઉષા કંપનીનુ મિકસર ગ્રાઈન્ડર ખરાબ થઈ ગયું હતુ. દરમિયાન ગુરુવારે દિપ્તીબેને મિકસર રીપેરીંગ કરાવવા માટે ગુગલ ઉપર ઉષા કંપનીનો કસ્ટમર કેરનો નંબર સર્ચ કરતા તેમને એક નંબર મળ્યો હતો. જે નંબર ડાયલ કર્યો હતો પરંતુ નંબર વ્યસ્ત બતાવતો હતો. તેની થોડીવાર પછી એક અજાણ્યા નંબર પરથી દિપ્તીબેનના ફોન પર ફોન આવ્યો હતો. સામેછેડેથી બોલતા વ્યક્તિએ પોતાની ઓળખ ઉષા કંપનીના કસ્ટમર કેરના એકઝીકયુટીવ તરીકે આપી હતી અને મિકસર રીપેર કરવા બાબતે માહિતી મેળવી હતી. ત્યારબાદ દિપ્તીબેનને વોટસઅપ કોલ આવશે તે રીસીવ કરજો તેમ કહ્યુ હતુ.
થોડીવારમાં વોટસઅપ કોલ આવ્યો હતો જે રીસીવ કરતા તેમની સાથે વાત કરીને સામેથી બોલતા અજાણ્યા પુરુષે દિપ્તીબેનના મોબાઈલમાં શેરસ્ક્રીન માટેની પ્રોસેસ કરાવી હતી. ત્યારબાદ તેમની પાસે ગુગલ પે ખોલાવ્યુ હતુ અને તેમાં તેમના રૂ. 46,632 નંખાવીને પીન નાખવા માટે કહ્યુ હતુ. જેથી તેની વાતમાં આવી ગયેલા દિપ્તીબેને પીન નાંખતા રૂપિયા કપાઈ ગયા હતા. આ અંગે દિપ્તીબેને કહેતા સામેની વ્યક્તિએ આ રૂપિયા પાછા રીફંડ કરી આપવાનુ કહીને બીજા રૂ 14,723 નુ ટ્રાન્જેકશન કરવાનુ કહ્યુ હતું.