પશ્ચિમ બંગાળના એક એજન્ટ પાસે પાસપોર્ટ બનાવ્યાની કબૂલાત
સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમીગ્રેશન વિભાગે કુવૈતથી અમદાવાદ આવેલી ફલાઈટમાંથી ભારતીય પાસપોર્ટ ધરાવતા બાંગ્લાદેશી નાગરીકને ઝડપી પાડયો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમીગ્રેશન અધિકારી કુલદીપભાઈ કરમટા પોતાની ફરજ પર હતા. Lઆ દરમિયાન ગત તા 23 મીએ કુવૈતથી અમદાવાદ આવેલી ફલાઈટના પેસેન્જરોનુ ચેકીંગ ચાલી રહ્યુ હતુ. ત્યારે એક પેસેન્જરે પોતાનો ભારતીય પાસપોર્ટ રજુ કર્યો હતો જેમાં તેનુ નામ બિપ્લોય નિહાર રંજન હલદર (રહે.ગુપ્તીપરા, હુગલી વેસ્ટ બંગાળ ઈન્ડિયા ) લખેલુ હતુ. ઈમીગ્રેશન વિભાગને શંકા જતા પેસેન્જરની પુછપરછ કરતા તે બાંગ્લાદેશમાં લગ્ન પ્રસંગમાં ગયો હોવાનુ જણાવ્યુ હતુ.
જો કે પેસેન્જરની ધનિષ્ઠ પુછપરછ કરતા તેણે વટાણા વેરી દીધા હતા કે બાંગ્લાદેશી નાગરીક છે અને તેણે એક એજન્ટ છપન (રહે વેસ્ટ બંગાલ) પાસે ભારતીય પાસપોર્ટ બનાવ્યો હોવાની કબુલાત કરી હતી. ત્યારબાદ વધુ તપાસમાં બિપ્લોયના પરિવારજનોના આઈડી પણ બાગ્લાદેશના હોવાનુ ખુલતા તેને ઈમીગ્રેશન વિભાગે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને પુછપરછ માટે સુપરત કર્યો હતો. અંતે પેસેન્જર બાંગ્લાદેશી હોવાનુ પુરવાર થતા તેની વિરુદ્દ ક્રાઈમ બ્રાંચે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી એજન્ટ છપનની શોધખોળ આદરી છે.
અત્રે નોધનીય છે કે પોલીસે હાથ ધરેલી તપાસમાં આરોપીએ તેના માતાપિતા નથી તેવી ખોટી માહિતી આપીને પશ્ચિમ બંગાલમાં કલ્યાણી મ્યુનિસિપાલટી જિલ્લા નાડીયાખાતેં ખોટી એફીડેવીટ કરીને દાખલો મેળવ્યો હતો. તેમજ તેની સાથે સ્થાનિક નેતાનો દાખલો મેડીકલ રીપોર્ટ વગેરે ડોકયુમેનટ રજુ કરીને ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો.