બે લોકોને ઈજા, પોલીસે બે સગીર સહિત 7 ની ધરપકડ કરી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં ભારતનો વિજય થતાં ખુશીમાં ફટાકડા ફોડવા મામલે બે વ્યક્તિઓ વચ્ચે થયેલી બોલાચાલી જૂથ અથડામણમાં પરિણમી હતી. જેમાં બંને પક્ષો વચ્ચે થયેલી મારામારીમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હતી. જેમાં ખોખરા પોલીસે બે સગીર સહિત કુલ સાત વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
પાકિસ્તાન સામેની ક્રિકેટમેચમાં ભારતના વિજયને પગલે દેશભરમાં ઉજવણી થઈ રહી હતી. આ સંદર્ભે શહેરના ખોખરા વિસ્તારમાં રવિવારે રાતના સાડા દસ વાગ્યાના સુમારે ગોપીસિંગ શેરગીલ તેમના
પુત્ર સાથે રોડ પર ફટાકડા ફોડી રહ્યા હતા. આ સમયે બાઈક લઈને પસાર થઈ રહેલા શકીલહસન કાઝી અનેતેમનો મિત્ર શાહરૂખ પઠાણ બંને રોડ પરથી પસાર થતા ફટાકડાનો તણખો તેમના પર પડતા તેમણે રોડપર ફટાકડા કેમ ફોડો છો સાઈડમાં જઈને ફોડો તેમ કહ્યુ હતુ. આ મામલે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમારામારીમાં પરિણમી હતી.
આદરમિયાન શકીલ અને શાહરૂખ પોતાનુ બાઈક મુકીને નાસી ગયા હતા. થોડીવાર પછી બાઈક લેવા આવતા ગોપીસિંગ અને અન્યો લોકો ત્યા પહોચતા બંને પક્ષો વચ્ચે છુટાહાથની મારામારી થઈ હતી. જેમાં નિરંજન ચૌહાણ અને શાહરૂખ પઠાણને ઈજા થઈ હતી.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી છવાઈ ગઈ હતી અને સોશીયલ મીડિયામાં આ ઘટના બની હોવાના અહેવાલો પ્રસર્યા હતા.બીજી બાજુ ઘટનાની જાણ થતા ખોખરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને લોકોના ટોળાને વિખેરી નાંખ્યા હતા.
આ બનાવ અંગે ગોપીસિંગ શેરગીલ અને શકીલહસન કાઝીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં સામસામે આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષોના મળી 15 થી વધુ લોકો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી