નિકોલના વૃદ્ધના મકાનના દસ્તાવેજ, કોરા ચેક પાછા આપ્યા નહીં
નિકોલમાં રહેતા રીક્ષાચાલક વૃદ્ધને રૂપિયાની જરૂર પડતા વ્યાજખોર મહિલા પાસે જતા તેણે 50 ટકાના વ્યાજે રૂપિયા આપવાનુ કહ્યુ હતુ જેથી જરૂરીયાતમંદ વૃદ્ધે વિના વિચાર્યે મહિલાના કહ્યા મુજબ તેમના ઘરના દસ્તાવેજો આપીને રૂપિયા વ્યાજે લીધા હતા. જો કે સમયાંતરે મુડી અને વ્યાજ ચુકવી દીધુ હોવા છતાં મહિલા અને તેના સાગરીતે વધુ રૂપિયા 8 લાખની માંગણી કરીને દસ્તાવેજ અને કોરાચેક પચાવી પાડી કેસ કરવાની ધમકી આપી હતી. અંતે કંટાળેલા વૃદ્ધે નિકોલ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર મહિલા સહિત બે સામે ફરિયાદ નોંધાવી છે.
નવા નરોડા નિકોલ રોડ પાસે રહેતા રમેશ ભાઈ કાકડીયા (57) એકલવાયું જીવન વ્યતીત કરે છે.. વૃદ્ધને ચાર મહિના પહેલા રૂપિયાની તંગી સર્જાતા સંબંધીએ નિકોલમાં કેફે ચલાવતતા વર્ષાબેન પટેલ અને ભાવેશ ગઢવી સાથે વૃદ્ધનો સંપર્ક કરાવી આપ્યો હતો. વૃદ્ધને રૂ.4.50 લાખની જરૂરીયાત હોવાથી નિકોલમાં આવેલા વર્ષાબેન પાસેથી 50% વ્યાજે રૂપિયા લેવાનું વૃદ્ધે નક્કી કરી લીધું હતું. વ્યાજે રૂપિયા આપનાર મહિલાએ વૃદ્ધના મકાનના ઓરીજીનલ કાગળીયા અને બે કોરા ચેક લઈને સમજુતી કરાર કરાવી લીધો હતો. અને વૃદ્ધને રૂ.4.50 લાખની જગ્યાએ વ્યાજ કાપીને રૂ.૩ લાખ આપ્યા હતા.
વૃદ્ધે ગત ફેબ્રુઆરી મહિનામાં લીધેલા રૂપિયા વર્ષા બેનને ટુકડે ટુકડે કરીને વ્યાજ સહીત રૂ.3.50 લાખ ચૂકવી આપ્યા હતા. તેમ છતાં વર્ષાબેન પટેલ અને ભાવેશ ગઢવી વૃદ્ધના મકાનના અસલ કાગળીયા તથા સિક્યોરીટી પેટે લીધેલા બે ચેક પાછા આપતા નહોતા અને વધારાનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીને વૃદ્ધ પાસે રૂ.8 લાખની માંગણી કરતા હતા. વૃદ્ધ ઇનકાર કરતા વર્ષાબેન અને ભાવેશ ગઢવી વૃદ્ધને તેમનું મકાન પચાવી પાડવાની તેમજ ચેક બેંકમાં જમા કરાવીને કલમ 138નો ગુનો નોંધાવીશું તેવી ધમકી વારંવાર આપતા હતા. આ મામલે નિકોલ પોલીસે વર્ષાબેન પટેલ અને ભાવેશ ગઢવી (બંને રહે નવા નરોડા) વિરુદ્ધ વ્યાજખોરીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી છે.