ચમનપુરા, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં આરસીસી, ચાઈના મોજેક, સ્ટીલના બાંકડા મુકાશે
શહેરના અસારવા વોર્ડમાં પીવાના પાણી હોય કે ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યા, વરસાદી પાણીની સમસ્યાઓ હોય તેનો ઉકેલ છેલ્લા 10 વર્ષથી આવતો ન હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. વારંવાર ફરિયાદો છતાં મ્યુનિ. સત્તાધિશો દ્વારા માત્ર સમસ્યાના નિરાકરણ કરવાની વાતો કરે છે પરંતુ થીંગડા મારવા જેવી કામગીરી કરીને સંતોષ માની લે છે. આવી સમસ્યાઓના નિરાકરણ માટે પ્રજાના પ્રતિનીધીઓ બજેટના ગાણા ગાતા જોવા મળે છે. પરંતુ અસારવા વોર્ડમા કોર્પોરેટર, સાંસદ અને ધારાસભ્યોના બજેટમાંથી રૂ.1.65 કરોડના ખર્ચે બાંકડા મુકવા માટેનું આયોજન કરાયું છે.
પ્રાથમિક સુવિધા માટે ફરિયાદ છતાં 10 વર્ષથી ખાસ કોઈ કામગીરી કરાતી ન હોવાનો આક્ષેપ
જેમાં વોર્ડમાં ગામતળ અને ચમનપુરા વિસ્તારમાં ચાઈના મોજેકના બાંકડા મુકવા માટે રૂ.18.74 લાખ, આરસીસીના બાંકડા સપ્લાય કરવા રૂ.9.97 લાખનો ખર્ચ અને સ્ટીલના બાંકડા મુકવા સપ્લાય કરવા રૂ.9.59 લાખનો ખર્ચ કરાશે. જ્યારે કલાપીનગર અને મેઘાણીનગર વિસ્તારમાં ચાઈના મોજેક બાંકડા સપ્લાય કરવા રૂ.18.74 લાખ ખર્ચાશે.
જ્યારે કલાપીનગર અને મેઘાણીનગર વિસ્તારમાં આરસીસીના બાંકડા સપ્લાય કરવા રૂ.9.97 લાખનો ખર્ચ, સ્ટીલના બાંકડા મુકવા માટે રૂ.9.59 લાખનો ખર્ચ કરાશે.આ ઉપરાંત અસારવા વોર્ડમાં જુદી જુદી જગ્યાએ ચાઈના મોજેક બાંકડા સપ્લાય કરવા રૂ.29.92 લાખ, આરસીસી બાંકડા મુકવા રૂ.29.96 લાખનો ખર્ચ અને સ્ટીલના બાંકડા સપ્લાય કરવા માટે રૂ.29.45 લાખનો ખર્ચ કરવાનુ નક્કી કરાયું છે.