સરદારનગરમાં 29 વર્ષિય મહિલા પરિવાર સાથે રહે છે. જેમાં તે અઠવાડિયાથી કામ માટે પતિ સાથે અમદાવાદ આવી છે. ગત તા.2 ઓગસ્ટે બપોરે અઢી વાગ્યાની આસપાસ મહિલા ઠક્કરનગર ચાર રસ્તા પાસે આવેલી હોટલમાં જમવા માટે ગઈ હતી.
ત્યારે બાઈક પર અજાણ્યા શખ્સે તેનો પીછો કરી રહ્યો હોવાનો અહેસાસ થયો હતો. જમ્યા બાદ તે હોટલ બહારથી રીક્ષામાં બેસી પોતાના ઘર તરફ જવા લાગી હતી.
ત્યારે રસ્તામાં શખ્સે રિક્ષા અટકાવી હતી અને જણાવ્યું હતું કે. હું પોલીસમાં છું અને તુ ખોટા ધંધા કરે છે એટલે તારે મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે.
ત્યારબાદ તેણે મહિલાને બાઈક પર બેસવાનું કહેતા તે ગભરાઈ હતી. પરંતુ શખ્સે ગુસ્સો કરી પોલીસ તરીકે ઓળખ આપતા મહિલા બાઈક પર બેસી ગઈ હતી. ત્યારબાદ તે મહિલાને અજાણી જગ્યાએ લઈ ગયો હતો અને કહ્યું હતું કે, તે પહેરેલા દાગીના મને આપી દે, નહીં આપે તો કેસ કરીશ કહીને રૂ.2.90 લાખના દાગીના પડાવીને શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ અંગે મહિલાએ શખ્સ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્ય બાઈક ચાલક યુવક સામે ફરિયાદ નોધાવી છે. ફરિયાદના આધારે પોલીસે હોટલની આસપાસના સીસીટીવી ફુટેજના આધારે યુવકને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.