બાપુનગર અને ક્રાઈમ બ્રાન્ચે કુલ છ આરોપીની ધરપકડ કરી
શહેરના બાપુનગર વિસ્તારમાં સોમવારની રાતે કર્ણાવતી એપાર્ટમેન્ટની બહાર ઉભા રહીને ગાળાગાળી કરી રહેલા છ વ્યકિતઓને ગાળો નહીં બોલવાનુ કહેતા બે મિત્રો ઉપર ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક યુવકનુ મોત જયારે અન્યને ગંભીર ઈજા થઈ હતી.આ મામલે સ્થાનિક પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. જયારે બાકીના બે આરોપીઓની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.
બાપુનગર ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા પ્રિયેશકુમાર વછેટા ગત સોમવારે રાતના સમયે તેમના બનેવી વિજય સોલંકીના ઘરે બસ સ્ટેન્ડ પાસે આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ તેમના બનેવીની ઓફિસમાં બનેવી ઉપરાંત વિજયભાઈ ભરતભાઈ પરમાર, હાર્દિક રાજપરા, વિજય ઉર્ફે વિશાલ, ધવલ બારોટ સાથે બેઠા હતા. ત્યારે જયસિંહ અને તેની સાથેના લોકો ફલેટની બહાર ઉભા રહીને ગાળાગાળી કરી રહ્યા હતા. આ સમયે ફલેટની નજીક ઓફિસ ધરાવતા વિજય શ્રીમાળીએ ગાળો નહીં બોલવાનુ કહેતા જયસિંહ ઉશ્કેરાઈને મારામારી કરવા લાગ્યો હતો. તેનું ઉપરાણુ લઈને હર્ષદ સોલંકી, ભદ્રેશ ઉર્ફે બંટી સોલંકી, હિંમત સોલંકી, ગણપત સોલંકી સહિત છ જેટલા વ્યકિતઓ ઝધડો કરવા લાગ્યા હતા.
જયસિંહે તેની પાસે રહેલી છરી કાઢીને 19 વર્ષીય વિજય શ્રીમાળીને છાતીના ભાગે એક બાદ એક ઘા મારતા જમીન પર પટકાયો હતો. મામલો થાળે પડવવા વચ્ચે પડેલા વિજય બારોટને પણ આરોપીઓએ માથાના ભાગે લોખંડની પાઈપના ફટકા મારીને લોહીલુહાણ કરી દીધો હતો. દરમિયાન વધુ બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થઇ જતા તમામ 6 આરોપીઓ નાસી ગયા હતા. સારવાર દરમિયાન વિજય શ્રીમાળીનુ મોત નીપજ્યું હતું. આ મામલે બાપુનગર પોલીસે 5 આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને ચાર આરોપી હર્ષદ સોલંકી, ભદ્રેશ સોલંકી,હિમંત સોલંકી અને ગણપત સોલંકીની ધરપકડ કરી લીધી હતી. જયારે ગુનામાં ફરાર એવા આરોપી જયસિંહ અને ચિરાગ વાઘેલાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે.