કંપનીના ભૂતપૂર્વ બ્રાંચ હેડ અને લોન લેનાર સામે ફરિયાદ
કંપનીની તપાસમાં સોનાના બદલે સળીયા જેવી ધાતુ નીકળી
ઈસનપુરમાં આવેલી એક ખાનગી ફાયનાન્સ કંપનીમાં સોનાનો નકલી નેકલેશ ગીરવે મુકીને રૂપિયા 2.25 લાખની લોન મેળવીને હપ્તા નીં ભરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવા બદલ લોન લેનાર અને લોન પાસ કરનારા કંપનીના કર્મચારી સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
નરોડામાં રહેતા રાહુલભાઈ બામનીયા ઘોડાસર વિસ્તારમાં એમ્પાયર હાઈટ્સમાં આવેલી આશીર્વાદ માઈક્રો ફાયનાન્સ લિ. કંપનીમાં બ્રાંચ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. આ બ્રાંચમાં અગાઉ અજીતસિંહ ઠાકોર( હાલ રહે ઉત્તરપ્રદેશ) બ્રાંચ હેડ તરીકે ફરજ બજાવતા હતા.
ગતતા 18 ડિસેમ્બર, 2023ના રોજધિરેન્દ્રભાઈ ઓમપ્રકાશભાઈ સોની કંપનીની ઘોડાસર બ્રાંચમાં સોનાનો નેકલેશ લઈને લોન લેવા માટે આવ્યા હતા. તે વખતને બ્રાંચ હેડ અજીતસિંહ ઠાકોરને લોન માટે વાત કરતા તેમણે સોનાના નેકલેશની ચકાસણી કર્યા વિના લોન મંજૂર કરીને રોકડા રૂપિયા 2.25 લાખ ધિરેન્દ્રભાઈ સોનીને આપી દીધા હતા. આ દરમિયાન સપ્ટેમ્બર. 2024માં કંપનીની વિજીલન્સ ટીમના અધિકારી વીઝીટ કરતા જે નેકલેશ પર ધિરેન્દ્રભાઈને લોન આપવામા આવી હતી તે નેકલેશ ખોટુ અને અંદર સળીયા જેવી ધાતુ નીકળી હતી.
આ અંગે ધિરેન્દ્રભાઈને ફોન કરીને જાણ કરતા તેમણે મારા સોનાના નેકલેશનુ ઓકશન કરીને વેચી નાંખો હું ગોલ્ડ બદલી આપીશ નહીં તેમ કહ્યું હતુ. ત્યારબાદ અવારનવાર કંપની તરફથી સોનાના નેકલેશ પર લીધેલી લોનના હપ્તા ભરવા માટે કહેવામાં આવતા ધિરેન્દ્રભાઈએ કોઈ હપ્તા ભર્યા નહતા તેમજ બ્રાંચનો સંપર્ક કર્યો નહતો. અંતે આ મામલે કંપનીના બ્રાંચ હેડ રાહુલભાઈએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં નકલી સોનાનો નેકલેશ પધરાવી લોન લેવા અને લોન પાસ કરવા બદલ કંપનીના અગાઉના બ્રાંચહેડ અજીતસિંહ ઠાકોર સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.