શાસ્ત્રીનગરના જવેલરે 18 જણને છેતર્યા
બૅન્કના આસિ. મૅનેજરે પણ 26 લાખ ગુમાવ્યા
બૅન્ક વ્યાજ અને અન્ય રોકાણ કરતાં સોના-દાગીનાના ખરીદ-વેચાણ પર વધુ નફો અને વળતરની લાલચ આપીને શાસ્ત્રીનગરના રત્નાકર જ્વેલર્સના માલિકે 18 ગ્રાહકનો રૂ.1.43 કરોડ પડાવ્યા હતા, જેમાં સૌથી વધારે રૂ. 26.20 લાખ તો એક બૅન્ક મૅનેજરના જ ગયા હતા. દાગીનાની ડિલિવરી લેવા માટે ગ્રાહકોને દુકાને બોલાવીને તાળા મારીને માલિક ફરાર થઈ ગયો હતો. આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નારણપુરાના પ્રિયંક શંકરભાઈ પટેલ કોસમોસ બૅન્કની ઓઢવ બ્રાંચમાં આસિ. મૅનેજર છે. તેમના મામાની દીકરી નિકેશ કિરિટકુમાર શાહના રત્નાકર જજ્વેલર્સમાંથી ખરીદ કરતી હતી. આથી પ્રિયંકે પણત્યાંથી 8મહિના પહેલાં ચાંદીના સિક્કા અને લકી ખરીદી હતી. પછી 2 માસ અગાઉ સોનાની વીંટી અને 100 ગ્રામ ચાંદી ખરીદી હતી.
ત્યાર બાદ પ્રિયંકે 10 કિલો ચાંદી અને 50 ગ્રામ સોનું ખરીદ્યું હતું અને એડવાન્સ પેટે 15 લાખ આપ્યા હતા. ત્યાર બાદ 100 ગ્રામ સોનું, 15 કિલો ચાંદી ખરીદી હતી. તમામ ખરીદ-વેચાણ અને ડિફરન્સના મળીને કુલ રૂ.26.20 લાખ પ્રિયંકના નિકેશ પાસે જમા હતા. 7મીએ પ્રિયંકભાઈ દાગીના લેવા ગયા ત્યારે નિકેશે 11મીએ આપવા કહ્યું હતું. જોકે 11મીએ ગયા ત્યારે દુકાનને તાળું મારેલું હતું, અને નિકેશ તેના ઘરે પણ નહોતો. ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. આથી પ્રિયંકે ફરિયાદ નોંધાવી હતી.