ઘર પાસે પડેલો કપાયેલો પતંગ લૂંટતાં મામલો બિચકયો
ઈસનપુર પોલીસે હુમલો કરનાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઈસનપુરની એક સોસાયટીમાં ઉત્તરાયણના દિવસે કપાયેલી પતંગ લુટવા બાબતે થયેલા ઝઘડામાં એક સગીર સહિત ત્રણ વ્યકિતઓને છરીથી હુમલો કરતા ઈજા પહોચી હતી. આ અંગે ઈસનપુર પોલીસે નાસી છુટેલા હુમલાખોર સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ઈસનપુરમાં સત્તાધાર સોસાયટીમાં રહેતા સુનિલ શ્યામ કિશોર કેશરવાની નારોલમાં પાનનો ગલ્લો ધરાવી વેપાર કરે છે. ઉત્તરાયણના દિવસે તેમના ભાણેજ દિપકભાઈ ગુપ્તા( ઉ.28 રહે ઈસનપુર) અને અર્જુનભાઈ કેશરવાની (ઉ.17) ઉતરાયણની ઉજવણી કરવા માટે તેમના ઘરે આવ્યા હતા. સુનિલભાઈ અને અન્ય પરિવારજનો ધાબા પર પતંગ ચગાવતા હતા.
દરમિયાન બપોરના એક વાગે તમામ પરિવારજનો જમવા માટે ધાબા પરથી નીચે ઉતર્યા ત્યારે તેમના ઘર પાસે એક કપાયેલો પતંગ પડતો દેખાયો હતો. આ સમયે દિપકભાઈ અર્જુન વગેરે આ પતંગ લુંટવા દોડયા હતા. આ સમયે આ જ સોસાયટીમાં રહેતા સચિનભાઈ વર્મા પણ તે પતંગ લુટવા માટે દોડયા હતા. બંને પક્ષો વચ્ચે પતંગ પકડવા મામલે બોલાચાલી થઈ હતી..આ વખતે
સુનિલભાઈ તેમનો ભાણેજ દિપકભાઈ, અર્જુન અને તેમના મકાનમાં ભાડેથી રહેતા ધરમવીરકુમાર તોમર સચિનભાઈને નજીવી બાબતે ઝગડો નહીં કરવા માટે સમજાવવા ગયા હતા. આ વખતે તેમને ગાળો બોલીને સચિનભાઈ વર્માએ તમે દાદા થઈ ગયા છો કહીને કોઈ કશુ સમજે તે પહેલા જ પોતાની ફેંટમાંથી છરી કાઢીને દિપકભાઈને પેટના ભાગે એક ઘા મારી દીધો હતો તેમજ ભાડુઆત ધર્મવીરકમાર ને પણ પેટના ભાગે એક ઘા ઝીંકી દીધો હતો. આ વખતે સુનિલભાઈને મારવા જતા તેમનો ભાણેજઅર્જુન કેશરવાની વચ્ચે પડતા તેને પણ ડાબા હાથે છરીનો લીટો વાગી ગયો હતો. આ સમયે બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થતા સચિનભાઈ ત્યાંથી છરી લઈને નાસી ગયા હતા. બીજીતરફ એમ્બ્યુલનસ બોલાવીને ત્રણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા હતા. જયાં દિપકભાઈ અને ધરમવીરકુમારને ઓપરેશન કરવાની જરૂર પડી હતી જયારે અર્જુનને આઉટડોર દર્દી તરીકે સારવાર આપવામાં આવી હતી. આ અંગે સુનિલ શ્યામકિશોર કેશરવાનીએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં સચીનભાઈ વર્મા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.