પૂર્વ ઝોનની મ્યુનિ કચેરીમાં ઉગ્ર રજૂઆત કરાઈ
શહેરના ગોમતીપુર વોર્ડમાં વર્ષો જુના 200થી વધુ છાપરાને 21 દિવસમાં ખાલી કરવા અને તોડી પાડવાની નોટિસ ફટકારતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેના પગલે સ્થાનિકો સાથે કોર્પોરેટર દ્વારા પૂર્વ ઝોનની કચેરીમાં જઈને ધારદાર રજૂઆત કરાઈ હતી.
આ અંગે સ્થાનિક કોર્પોરેટ ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, ગોમતીપુર વોર્ડના આબાંવાડીના છાપરા અને ચકુડિયા મહાદેવના આશરે 200 થી વધારે છાપરાને મ્યુનિ.કોર્પોરેશને 21 દિવસમાં ખાલી કરવાની નોટિસ આપી છે. જો તેઓ 21 દિવસમાં ખાલી નહીં કરે તો તેમના માલસામાન સાથે તોડી પાડવાની નોટિસ અપાતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ છાપરા વર્ષ 1980 પહેલાના છે તેમ છતાં તેને તોડવાની વાત કરાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એટલે આ મામલે સ્થાનિકો દ્વારા પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિ કમિશ્નરને ધારદાર રજૂઆતો કરી હતી. એટલે ડેપ્યુટી કમિશ્નર દ્વારા તમામના પુરવાઓ ચકાસીને તેમને યોગ્ય વળતર આપવાની બાંહેધરી આપી હકારાત્મક વલણ અપનાવ્યું હતું. જેના પગલે લોકોએ રાહતના શ્વાલ લીધા હતા. આ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો સ્થાનિકો દ્વારા આંદોલન કરાશે.