રોડનું સમારકામ નહીં કરાય તો ચોમાસામાં અકસ્માત સર્જાવાની શક્યતા,
ચોમાસુ બારણે ટકોરા મારી રહ્યું છે ત્યારે શહેરના વિરાટનગર અને નિકોલ વોર્ડમાં રોડ વચ્ચે કરાયેલા ખોદકામનું સમારકામ કરાયુ નથી.હજારોની સંખ્યામાં વાહનો દરરોજ આ રોડથી પસાર થાય છે.જેના લીધે ત્યાંથી અવરજવર કરવામાં વાહનચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે. રોડ પર ખોદકામને લીધે ચોમાસામાં અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. આ મામલે તાકિદે સમારકામ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
દરરોજ હજારોની સંખ્યામાં વાહનચાલકો આ રોડથી અવરજવર કરી રહ્યા છે
આ અંગે સ્થાનિક અગ્રણી ભાનુભાઈએ જણાવ્યું હતું કે, વિરાટ નગર અને નિકોલ વોર્ડમાં આવેલા રસ્તાઓની હાલત અત્યંત ખરાબ હોવાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. જેમાં વિરાટનગરમાં જીવનવાડી થી સરદાર મોલ સુધી અને નિકોલ વોર્ડમાં સનરાઈઝ પાર્કથી છેક નિકોલિયન ફલેટ અને જીવન ટવિન બંગલોઝ વાળા રોડની બંને બાજુએ ખોદાણ કરી નાંખ્યું છે.
જેના કારણે રોડની બંને બાજુએ આવેલા વેપારીઓ તથા વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ઉપરાંત સતત આ મામલે મ્યુનિ.મા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરાતી નથી. એટલે ચોમાસા પહેલાં રોડનું કામ કરવામાં આવે તેવી અમારી માંગણી ઉપર તંત્ર ધ્યાન આપે તો સારું નહીં તો બિસમાર રોડના લીધે ચોમાસામાં અકસ્માત સર્જાવાની શક્યતા સેવાઈ રહી છે.