કારમાલિકે જીપીએસના આધારે તપાસ કરતાં કાર ડભોડાથી મળી
રાજસ્થાનના બુટલેગર સહિત 8 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઇ
રામોલમાં રહેતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા યુવકે તેના મિત્રને રૂ. 60 હજારના માસિક ભાડે એક મહિના માટે કાર ભાડે આપી હતી. જો કે યુવકના મિત્રએ કાર રાજસ્થાનના બુટલેગરને રૂ. 4.50 લાખમાં વેચી દીધી હતી. બુટલેગરો કાર લઈને જતા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો સામાન કારમાં રહી ગયો હોવાનુ કહીને કાર લઈને નાસી છુટયા હતા.બાદમાં કાર ડભોડા પાસથી મળી આવી હતી.
નિકોલમાં રહેતા અમીતભાઈ ભાવસાર ઘરેથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. તેમની માતાના નામની સ્કોર્પીયો કાર ગત 20મેએ જમીન દલાલ મિત્ર લક્ષ્મણ ભરવાડને એક મહિના માટે માસિક રૂ. 60 હજારના ભાડે આપી હતી.
ત્યારે 15 દિવસ પહેલા લક્ષ્મણભાઈ ફોન કરીને કાર લઈને બગોદરા ગયા ત્યાં રસ્તામાં પોલીસે કાર રોકી હોવાનુ કહીને કારના ડોક્યુમેન્ટ માંગતા અમીતભાઈએ વોટ્સએપ કર્યા હતા. બાદમાં એક મહિનો પૂર્ણ થવા આવતા અમીતભાઈએ લક્ષ્મણ પાસે કાર પરત માંગતા તેને બે-ત્રણ દિવસમાં આપવાનું જણાવ્યુ હતુ. બાદમાં લક્ષ્મણે કહ્યું કે તમારી કાર તેમનો માણસ લઈને જતો હતો ત્યાં રામોલ પાસે ફાઇનાન્સ કંપનીના કર્મીઓએ કાર રોકીને ડ્રાઇવરને ઉતારીને કાર લઈને જતા રહ્યા હતા. જેથી અમીતભાઈએ પરિવાર સાથે કાર લઈને જીપીએસ ટ્રેકરના આધારે પીછો કર્યો હતો. જ્યાં ડભોડા રોડ પર પાર્ક થયેલ હતી. બાદમાં કારમાં તપાસ કરતા કોઈ ન હતુ.
ત્યારે નજીક ઉભેલા બે શખ્સોને અમીતભાઈએ પકડી પાડ્યા હતા. બાદમાં બંને શખ્સોને રામોલ પોલીસ સ્ટેશન લઈને આવતા તેમના નામ મહેન્દ્રસિંગ ભાટી અને કલ્યાણસિંગ સિસોદિયા (રહે રાજસ્થાન) હોવાનું જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે લક્ષ્મણે રૂ. 4.50 લાખમાં કાર વેચાણથી દારૂના ધંધા માટેના ઉપયોગમાં આપી હતી. બાદમાં મહેન્દ્ર અને કલ્યાણ રિક્ષામાં કારનો પીછો કરીને ડભોડા પાસે કાર પાસે ચક્કર મારતા હતા તે સમયે અમીતભાઇએ આસપાસના લોકોએ તેમને પકડી પાડ્યા હતા. આ અંગે અમીતભાઈએ લક્ષ્મણ, મહેન્દ્ર, કલ્યાણ, ઈમરાન, અતુલ અને અજાણ્યા ત્રણ શખ્સો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.