પરિવાર લગ્નમાં જવાનો હતો ત્યારે બનેલી ઘટના
નરોડામાં ધોળેદિવસે એક મકાનના બાથરૂમની બારીમાંથી અંદર પ્રવેશીને તસ્કરો રોકડા રૂ. 40 હજાર અને દાગીના મળી કુલ રૂ. 1,31 લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે નરોડા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
નરોડા હંસપુરામાં ગણેશ વાટીકામાં રહેતા પ્રવિણકુમાર પરમાર પેટ્રોલપંપમાં ફિલર તરીકે નોકરી કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગત તા 19મીના રોજ તેમને લગ્નપ્રસંગમાં જવાનુ હતુ. બપોરના બે વાગે તેઓ નોકરીએથી ઘરે આવતા ઘરે તાળુ મારેલુ હતુ. તેમણે પત્નીને ફોન કરતા તેઓ એક સબંધીના ઘરે તૈયાર થવા માટે ગયા હોવાનુ કહ્યુ હતુ.થોડાસમય બાદ પ્રવિણભાઈના પત્ની ઘરે આવ્યા હતા અને તેમણે ઘરનુ તાળુખોલ્યુ હતુ. આ સમયે અંદર પ્રવેશતા જ પ્રવિણભાઈએ જોયુ તો ઘરમાં બાથરૂમથી બેડરૂમ સુધી કોઈના પગલાંના નિશાન પડેલા હતા કંઈક અજુગતુ બન્યુ હોવાની આશંકા સાથે તેમણે ઘરમાં તપાસ કરતા બાથરૂમમાં જોયુ તો બાથરૂમની બારીનો કાચ તુટેલો હતો અને જમીન પર કાચના ટુકડા પડયા હતા. ત્યારબાદ બેડરૂમમાં જઈને જોયુ તો તિજોરીનો દરવાજો ખુલ્લો હતો અને સામાન વેરવિખેર પડયો હતો. તપાસને અંતે તિજોરીમાં મુકેલા રોકડા રૂપિયા 40 હજાર અને સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ. 1.31 લાખની મત્તાની ચોરી થયાની જાણ થઈ હતી. આ અંગે પ્રવિણકુમારે નરોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યકિત સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે નરોડા પોલીસે સોસાયટીની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીના સગડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.