
કુંભમાં ગયેલા ભાજપના ધારાસભ્યએ ફોન કરીને હાલ પૂરતી કામગીરી રોકતા મામલો થાળે પડયો
શહેરના બાપુનગર વિસ્તારમાં મ્યુનિ. દ્વારા રશિયન બેકરીથી ખોડીયાર નગર તરફ રસ્તાનું મ્યુનિ. દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ સ્થળે અચાનક કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહીલ અને સ્થાનિક પુર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પહોંચી ગયા હતા. . આ નેતાઓએ દબાણની કામગીરી અટકાવવાની માંગણી કરી હતી. જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા. બીજીતરફ આ નેતાઓના આગમન અંગે સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો સાથે કોઈ સંકલન નહી કરવાને કારણે ભારે અવ્યવસ્થા ઉભી થઇ હતી. એક તબક્કે સ્થાનિક નેતા અમિત નાયક અને હિંમતસિંહ પટેલ વચ્ચે તુ તુ મેમેં થઇ ગઇ હતી. બીજી તરફ દબાણની કામગીરી અટકાવવા મામલે મહાકુંભમાં ગયેલા એક નેતાએ ફોન કરીને હાલ પુરતી કામગીરી અટકાવી હતી.
બાપુનગર વિસ્તારમાં જાહેર રસ્તા પર થયેલા ગેરકાયદેસર બાંધકામને દુર કરવાની મ્યુનિ. દ્વારા કામગીરી ચાલી રહી હતી. તે સમયે કોંગ્રેસના બે નેતાઓ શક્તિસિંહ ગોહીલ અને હિંમતસિંહ પટેલ આવી ચડયા હતા. તેમણે આ કામગીરી અટકાવવાની માગણી કરતા તંત્ર પણ અચાનક આવેલા નેતાને કારણે વિમાસણમાં મુકાયું હતું. જો કે મ્યુનિસિપલ તંત્રએ પોતાની કામગીરી ચાલુ રાખી હતી. દરમ્યાન બાદમાં ભાજપના એક ધારાસભ્યનો ફોન આવતાં સાંજે દબાણ હટાવવાની કામગીરી અટકી ગઇ હતી. આ સમગ્ર ઘટનામાં જયારે બે નેતાઓ આવ્યા ત્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોને કોઈ જાણ જ કરવામાં આવી નહતી જેને લઈને હિંમતસિંહ પટેલ અને સ્થાનિક નેતા વચ્ચે જાણ નહી કરવા મામલે તુ તુ મે મે થઈ હતી.
કોંગ્રેસના બે નેતા આવ્યા પણ સ્થાનિક નેતાગીરીને જાણ નહીં કરતા આંતરિક કક્ષાએ હોબાળો થયો
એક તબક્કે નેતાએ કહ્યું હું ભાજપના એજન્ટને જાણ નથી કરતો
સ્થાનિક વિશ્વનીય સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતસિંહ સોલંકીએ સ્થાનિક નેતાને કહ્યું હતુંકે. હું ભાજપના એજન્ટને જાણ કરીને વિરોધ માટે અહીં આવવા માટેનું યોગ્ય નથી ગણતો. આ શબ્દો બાદ નેતાએ શક્તિસિંહને આ ગંભીર આક્ષેપ બદલ ફરિયાદ કરી હતી. સામે તેમણે વળતો એવો આક્ષેપ કર્યો હતોકે. હિંમતસિંહ તો ભાજપના એક નેતાના ભાગીદાર છે. જેને કારણે રાજકીય ચર્ચાએ જોર પકડયું હતું.