ઘરે આવ્યો હોવાની માહિતી મળતા રાતે પોલીસ પકડવા ગઈ હતી
એક મહિના પહેલાં એક ઘરમાં ઘૂસી તોડફોડ કરી મારામારી કરી હતી
શાહપુરમાં ઘરમાં ઘૂસી તોડફોડ કરી પરિવાર સાથે મારામારી કરીને ભાગી ગયેલા હિસ્ટ્રીશીટરને પકડવા ગયેલી પોલીસ પર તેના પરિવારે હુમલો કર્યો હતો.
શાહપુરના મચ્છી માર્કેટ ખાતે રહેતા વાજિદ નફીસ અહેમદ ખાને મહિના પહેલા શાહપુરના એક ઘરમાં તોડફોડ કરી પરિવાર સાથે મારામારી કરી હતી. આ અંગે મહિલાએ શાહપુર પોલીસમાં વાજિદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી વાજિદ નાસતો ફરતો હતો. શનિવારે મોડી રાતે વાજિદ તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા પીએસઆઈ બી. એલ. રાવલ તેમ જ અન્ય 10થી વધુ કર્મચારીઓ તેને પકડવા માટે તેના ઘરે ગયા હતા ત્યારે વાજિદના પરિવારની મહિલાઓ તેમ જ અન્ય માણસોએ ભેગા મળી પોલીસને ઘરની બહાર જ રોકી લીધી હતી.
વાજિદના પરિવારના સભ્યોએ પોલીસ સાથે ઝઘડો કરી ધક્કામુક્કી કરીને મારામારી શરૂ કરી હતી, જેમાં એક પોલીસ કર્મચારીનો શર્ટ ફાડી દીધો હતો. જ્યારે અન્ય બે સાથે ઝપાઝપી કરીને એક પોલીસ કર્મચારીનો હાથ મચડી કાઢ્યો હતો અને વાજિદને બૂમો પાડી ભગાડી દીધો હતો. આ અંગે શાહપુર પોલીસે વાજિદના પરિવારના સભ્યો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
પીઆઈ પી. બી.ખાંભલાએ જણાવ્યું કે, વાજિદ વિરુદ્ધ 17 ગુના નોંધાયેલા છે. જેમાં તે પાસા હેઠળ 2 વખત જેલમાં પણ જઈ આવ્યો છે.