મિનીટ્રકમાંથી દારૂની 107 બોટલો પણ મળી આવી
શહેરના એરપોર્ટ વિસ્તારમાં નોબલનગર નજીકથી ઝોન-4 એલસીબીની ટીમે એક કારમાથી વિદેશી દારૂની 624 બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. બીજી બાજુ સોમવારે આ જ વિસ્તારમાં આવા પાણીના પ્લાન્ટના પાર્કીંગમાંથી પોલીસે બિનવારસી મીનીટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 107 બોટલો કબજે કરી હતી. મહારાષ્ટ્ર પાર્સીંગની મીનીટ્રકમાં દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ડીસીપી ઝોન-4 એલસીબીની ટીમને બાતમી મળી હતી કે નોબલ નગર ટી સર્કલ પાસેથી કારમાં વિદેશી બનાવટના દારૂની કારમાં હેરાફેરી થવાની છે. પોલીસે વોચગોઠવી હતી જેમાં શંકાસ્પદ સ્વીફટ કારને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની કુલ 624 બોટલો કિંમત રૂ. 96 હજારની મળી આવી હતી.
પોલીસે આ અંગે કારમાં બેઠેલા વિશાલ ઉર્ફે વીકી રાજુભાઈ ક્રિષ્નાની( ઉ.31 રહે. સિંધી કોલોની, સરદારનગર) અને રાજેશ લખુભાઈ રાઠોડ( ઉ..45 રહે. ગાંધીનગર સોસાયટી, વાડજ)ની ધરપકડ કરી હતી. બંને આરોપીની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો સાંચોર રાજસ્થાનમાં રહેતા જીવો પ્રજાપતિ અને પ્રકાશ નામના શખ્સ પાસેથી મંગાવ્યો હોવાની કબુલાત કરી હતી. બીજીબાજુ સોમવારે પોલીસે બિનવારસી આઈસર મીનીટ્રકમાંથી વિદેશી દારૂની 107 બોટલ કબજે કરી હતી.