શહેરના ગોમતીપુર વિસ્તારની વિવિધ ચાલીઓમાં છેલ્લા એક મહિનાથી ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની ગાડી આવતી ન હોવાની ફરિયાદો ઊઠી છે. જેના પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે શનિવારે રોષે ભરાયેલી મહિલાઓ સહિતના ટોળાએ ચકુડિયા મહાદેવ સ્થિત મ્યુનિ.ની કચેરીએ જઈને કચરો ઠાલવી અને અધિકારીના ટેબલ પર ડસ્ટબીન મુકીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેના પગલે અધિકારીએ સ્ટાફ ન હોવાનું બહાનું આગળ ધરીને હાથ અધ્ધર કરી લીધા હતા.
આ અંગે સ્થાનિક અગ્રણી કુદુસભાઈએ કહ્યું હતું કે, ગોમતીપુર વિસ્તારમાં આવેલી પરમાનંદની ચાલી વાળીની ચાલી, સુરતીની ચાલી, સર્વોદયની ચાલી.હોજવાળી ચાલી. મરિયમ બી બી ની ચાલી,જીવરામ ભટ્ટની ચાલી,પીઠા વાળી ચાલી, સાત ચાલી. મગન કુમારની ચાલી અને આજુ બાજુની ચાલીઓમાં ઘણા સમયથી સફાઈ કામદારો આવતા નથી. ઉપરાંત આ ચાલીઓ સહિતના વિસ્તારમાં મહિનાથી ડોર ડોર કચરો કલેક્ટ કરવાની ગાડી આરતી ન હોવાથી લોકો હેરાન થઈ રહ્યા છે.
આ અંગે સ્થાનિકો દ્વારા અધિકારીઓને વારંવાર રજૂઆત કરાતી હતી, પરંતુ સંતોષકારક જવાબ મળતો નહી અને ડોર ટુ ડોરની ગાડીઓ પણ શરૂ કરાઈ ન હોવાના લીધે લોકો કંટાળી ગયા હતા. એટલે શનિવારે મહિલાઓ સહિતના સ્થાનિકોના ટોળાએ કચરો ભરેલી ડોલ સાથે ચકુડિયા મહાદેવ મંદિર પાસે આવેલી મ્યુનિ. ની કચેરીમાં જઈને કચરો ઠાલવીને હોબાળો કર્યો હતો. બાદમાં કચેરીમાં પીએચએસ અધિકારીની ઓફિસમાં ટેબલ પર ડસ્ટબીન મુકીને સમગ્ર મામલે ઉગ્ર રજૂઆત કરી હતી.