ટયુશને ગયેલી સગીરાને યુવકે બહારગામ લઈ જતાં ભાંડો ફૂટ્યો
નિકોલમાં સોશીયલ મીડીયા થકી સંપર્કમાં આવેલી સગીરાને યુવકે લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હતુ. તાજેતરમાં સગીરા ટયુશને ગયા બાદ ગુમ થતા તેના માતાપિતાએ તપાસ કરતા યુવક સાથે બહારગામ મંદિરે દર્શન કરવા ગઈ હોવાની જાણ થઈ હતી. બીજા દિવસે પરત આવેલી સગીરાની પુછપરછ કરતા તેની સાથે અગાઉ યુવકે શરીરસબંધ બાંધ્યો હોવાનુ કહેતા સમગ્ર હકીકત સામે આવી હતી. આ અંગે સગીરાની માતાએ યુવક સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
કઠવાડામાં રહેતી એક સગીરાના માતાપિતા ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 26મેએ પતિ-પત્ની નોકરી પર ગયા હતા. તે સમયે 16 વર્ષની સગીર પુત્રી અને સગીર પુત્ર ઘરે હતા. ત્યારે સગીરા ટ્યુશન જવા ઘરેથી નીકળી હતી. પરંતુ ઘણો સમય થવા છતા ઘરે આવી ન હતી. જેથી સગીરાના ભાઈએ ફોન કરીને માતાને જણાવ્યુ હતુ. આ જાણી માતા-પિતા ઘરે દોડી આવ્યા હતા અને સગીરાની શોધખોળ કરી પરંતુ મળી તેની કોઈ ભાળ મળી નહતી થોડા દિવસ પહેલા સગીરાને મોબાઇલમાં કેવલ મકવાણા સાથે વાતચીત કરતા માતા-પિતાએ ઝડપી હતી. અને ઠપકો આપ્યો હતો. જેથી કેવલને ફોન કરતા સગીર પુત્રીએ ઉપાડીને કહ્યું કે અમે મરતોલી મંદિરે દર્શન કરવા આવ્યા છીએ થોડીવારમાં આવીએ છીએ તેમ જણાવ્યુ હતુ.
ત્યારબાદ સગીરા પરત આવી ત્યારે તેને પૂછતા જણાવ્યુ કે ત્રણ મહિના પહેલા કેવલ સાથે સોશીયલ મીડીયા થકી સંપર્ક થયો હતો. અને બંને એકબીજા સાથે વાતો કરતા હતા. ત્યારે એક મહિના પહેલા માતા-પિતા ન હોવાથી કેવલ સગીરાના ઘરે આવ્યો અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ હતુ. જે બાદ ગત 26મેએ કેવલ ફ્લેટની નીચે આવીને સગીરાને લઇને ગયો હતો. આ અંગે પિતાએ કેવલ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવી છે.