પિતાએ છરીથી હુમલો કર્યો પુત્રએ લાકડી ફટકારી
શાહઆલમમાં અગાઉના ઝઘડાની અદાવતમાં પાડોશી પિતા-પુત્રે યુવક સાથે ઝઘડો કરી લાકડી અને છરીથી હુમલો કર્યો હતો. આ અંગે યુવકે બંને પાડોશી પિતા-પુત્ર સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
શાહઆલમમાં રહેતા શાહનવાજ શેખ છુટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 7 જુલાઇએ સવારે તેઓ ઘરે હતા ત્યારે પાડોશી રાજુભાઈ અગાઉના ઝઘડાની અદાવત રાખીને શાહનવાજને બીભત્સ ગાળો બોલીને ઝઘડો કરવા લાગ્યો હતો. બાદમાં રાજુએ ઉશ્કેરાઈને ઘરમાંથી છરી લઇ આવીને શાહનવાજ પર હુમલો કર્યો હતો. આ દરમ્યાન રાજુનો પુત્ર મોહમ્મદ હુસેન પણ ત્યાં આવ્યો હતો. તે પણ લાકડી વડે શાહનવાજને ફટકારવા લાગ્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા શાહનવાજને છોડાવ્યા હતા. આ અંગે શાહનવાજે પિતા-પુત્ર સામે ફરિયાદ નોધાવી છે.